ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી આગનો એક સળગતો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક પ્રોડક્ટ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.


ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા

અંકલેશ્વર જીઆઈડીસીમાં વિજય ટ્રાન્સપોર્ટની નજીક આવેલી 'રજત આવરણ પ્રોડક્ટ કંપની'માં આ આગની દુર્ઘટના સર્જાઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે જોતજોતામાં તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં નજરે પડતા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ૨ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

વેલ્ડિંગ કામ દરમિયાન સર્જાયો અકસ્માત

આગ લાગવાના કારણો અંગે સામે આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીની અંદર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક તણખો ઝરતાં શોર્ટ સર્કિટ અથવા જ્વલનશીલ પદાર્થના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ કંપનીમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: