ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારેથી એક અત્યંત દુઃખદ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે નદીના પાણીમાં ન્હાવા પડ્યા બાદ અચાનક લાપતા થયેલા એક આશાસ્પદ યુવકનો આજે નદી કિનારેથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નર્મદા નદીમાં છેલ્લા બે દિવસમાં જ ડૂબી જવાના કારણે બે અલગ-અલગ લોકોના મોત નીપજતાં સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


ન્હાવા ગયા બાદ લાપતા બનેલા યુવકની ઓળખ થઈ

મૃતક યુવાનની ઓળખ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના વતની મારવીન પટેલ તરીકે થઈ છે. મારવીન ગઈકાલે બપોરે નર્મદા નદીના પાણીમાં ન્હાવાની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જોતજોતામાં લાપતા બન્યો હતો. પરિવારજનો અને સ્થાનિકો દ્વારા ગઈકાલથી જ તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

આજે અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે એક અજ્ઞાત લાશ તરતી હોવાની માહિતી મળતાં જ સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની સેવાભાવી ટીમ તાત્કાલિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે ભારે જહેમત બાદ નદીના વહેણમાંથી વિકૃત થઈ ચૂકેલા મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. લાશ બહાર કાઢ્યા બાદ તપાસ કરતાં આ મૃતદેહ ગઈકાલે લાપતા થયેલા મારવીન પટેલનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આ મામેલ અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: