ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી ખેડૂતોના આક્રોશ અને વહીવટી તંત્ર સામેના વિરોધ પ્રદર્શનના મોટા સમાચાર સામે આવ્યા છે. હાંસોટના ઇલાવ ગામેથી પસાર થતી પાવરગ્રીડ લાઈન અને તેના ટાવર ઊભા કરવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ ફરી એકવાર એક થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના મનસ્વી રીતે કામગીરી આગળ વધારવામાં આવતા હનનનો ભોગ બનેલા જગતના તાતમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેતરોમાં રસ્તો બનાવી વાહનો ઘુસાડ્યાનો આક્ષેપ
ગ્રામજનો અને પીડિત ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પાવરગ્રીડ ટાવર ઊભા કરવા માટે કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા તેમના ઊભા પાક વાળા ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. આ કાચા રસ્તા પરથી દિવસ-રાત કંપનીના ભારે માલવાહક વાહનો અને મશીનરી પસાર કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વિના આ રીતે વાહનોની અવરજવર થવાના કારણે ખેતીલાયક જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને મોંઘોદાટ પાક કચડાઈ રહ્યો છે.













