ભરૂચના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગણેશ સ્ક્વેરમાંથી આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી મચી જવા પામી હતી. ગણેશ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આવેલી એક જાણીતી પિત્ઝા શોપમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જે કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, થોડા જ સમયમાં જ ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો
આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી DPMCના 3 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ આગ રહેણાંક વિસ્તારની નજીક લાગી હોવાના કારણે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DySP ડો. કુશલ ઓઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો, તેમણે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.













