ભરૂચમાં આવેલી પુરાતની જામા મસ્જિદને લઈને ફરી એકવાર નવો વિવાદ ગરમાયો છે. આ ઐતિહાસિક સ્થળ વાસ્તવમાં જૈન તીર્થ હોવાનો દાવો ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જૈન ધર્મના અગ્રણી સંતો અને આગેવાનોએ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી, જેનાથી સ્થાનિક સ્તરે અને ધાર્મિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. જૈન સંતો દ્વારા આ વિવાદિત સ્થળને પ્રાચીન જૈન ધરોહર “સમડી વિહાર” (અથવા શકુનિકા વિહાર) ગણાવવામાં આવ્યું છે.
ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી
મુલાકાતે પહોંચેલા પૂજ્ય રાજસુંદર વિજયજી મહારાજ સહિતના જૈન સંતોએ આક્ષેપ કર્યો છે કે, તેમને મસ્જિદના ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જૈન ઇતિહાસની વાયકાઓ અનુસાર, સદીઓ પહેલાં લંકાની રાજકુમારીએ ભરૂચની પવિત્ર ભૂમિ પર એક ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું, જે 'સમડી વિહાર' તરીકે ઓળખાતું હતું અને આજે પણ જૈન ઇતિહાસમાં આ સ્થળ વિશેષ મહત્વ ધરાવે છે.













