ભરૂચ જિલ્લામાં પ્રતિબંધિત વાઇલ્ડ લાઇફ સામગ્રીની તસ્કરી કરતા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર વન વિભાગ અને મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં નેશનલ હાઈવે-48 પર આવેલા નર્મદા ગેટ નજીકથી લાખોની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (Whale Vomit - એમ્બરગ્રીસ) સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતી આ વ્હેલ માછલીની ઉલ્ટી વેચાય તે પહેલા જ વન વિભાગ દ્વારા તરાપ મારીને આખું રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.


મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમે વેપારી બનીને ગોઠવી જાળ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમને આ તસ્કરી ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે ટીમના સભ્યો દ્વારા પોતે કિંમતી એમ્બરગ્રીસના ખરીદદાર (વેપારી) હોવાનો ઢોંગ કરવામાં આવ્યો હતો અને તસ્કરો સાથે સોદો નક્કી કરીને તેમને ભરૂચ બોલાવ્યા હતા. આરોપીઓ આ જથ્થો વેચવા માટે NH-48 પર નર્મદા ગેટ પાસે પહોંચ્યા કે તરત જ અંકલેશ્વર વન વિભાગ અને મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરીને ત્રણેયને રંગેહાથ દબોચી લેવામાં આવ્યા હતા.

ભાવનગરથી લવાયો હતો જથ્થો, કુલ 66.70 લાખનો મુદ્દામાલ જપ્ત

વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો ભાવનગરથી લાવ્યા હતા. પકડાયેલા ત્રણ આરોપીઓ આણંદ અને અંકલેશ્વર પંથકના હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે ઘટના સ્થળેથી આશરે રૂપિયા 65 લાખની કિંમતની વ્હેલ વોમેટ કબ્જે કરી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર, બાઇક અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 66.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Bharuch: ભરૂચની જામા મસ્જિદમાંથી કોતરણીવાળી શીલા અને મૂર્તિઓ મળતાં વિવાદ વકર્યો, કૂવાની સફાઈ કરવા સંતોની ઉગ્ર માંગ


  • Follow us on: