ગુજરાતમાં દેહવિક્રયના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યના બે જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે ઓપરેશન હાથ ધરીને હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. કચ્છના ગાંધીધામમાં સ્પાની આડમાં અને જુનાગઢના કેશોદમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટ પર પોલીસે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગાંધીધામની ગોકુલ હોટેલમાં પોલીસનો સપાટો

કચ્છના ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસ મથકને બાતમી મળી હતી કે ગોકુલ હોટેલમાં આવેલા એક સ્પામાં ગેરકાયદેસર રીતે સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે પ્લાન ઘડીને સ્પામાં એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકનો ઈશારો મળતાં જ પોલીસે ત્રાટકીને સમગ્ર પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે દેહવિક્રયના દલદલમાંથી છત્તીસગઢની બે અને મુંબઈની એક લલનાને મુક્ત કરાવી હતી. સ્પામાં હાજર બે મહિલા મેનેજર અને સ્પા સંચાલક સહિત કુલ ત્રણ પરપ્રાંતીય મહિલાઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદમાં ફ્લેટમાંથી હાઈપ્રોફાઈલ રેકેટ ઝડપાયું

બીજી તરફ જુનાગઢના કેશોદમાં પણ પોલીસે એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. અહીંના એક હાઈપ્રોફાઈલ ફ્લેટમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ત્યાંથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ સેક્સ રેકેટ ચલાવતી મુખ્ય મહિલા સંચાલિકા પોલીસ રેઇડ દરમિયાન નાસી જવામાં સફળ રહી હતી. પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને ફરાર મહિલા સંચાલિકાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો---   Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી



  • Follow us on: