છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા મથકે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરી ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. કચેરી ખાતે વીજ બિલ ભરવા માટે આવતા સ્થાનિક વીજ ગ્રાહકોને તંત્રની અણઘડ વ્યવસ્થાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી બાબુઓના નબળા સંચાલનને લીધે ગ્રાહકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.
હજારો ગ્રાહકો વચ્ચે માત્ર એક જ કાઉન્ટર ચાલુ રખાતા અફરાતફરી
મળતી વિગતો મુજબ, નસવાડી પંથકના અનેક ગામડાઓમાંથી લોકો અહીં પોતાના ઘર અને ખેતીના વીજ બિલ ભરવા માટે આવે છે. જોકે, કચેરી સત્તાધીશો દ્વારા હજારો ગ્રાહકોની સુવિધા માટે માત્ર એક જ કેશ કાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે. આ એક જ કાઉન્ટર હોવાના કારણે બિલ ભરવા આવેલા લોકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે અને કલાકો સુધી ઊભા રહેવા છતાં લોકોના નંબર આવી રહ્યા નથી.
ખેતીની કિંમતી સિઝન વચ્ચે મહિલાઓ સવારથી લાઈનમાં ઊભવા મજબૂર
હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ખેડૂતો માટે એક-એક મિનિટ કિંમતી હોય છે. આવા વ્યસ્ત સમયે ઘર અને ખેતરના કામો છોડીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પણ વહેલી સવારથી જ MGVCL કચેરીની બહાર લાઈનો લગાવીને ઊભી રહી છે. કલાકો સુધી અસહ્ય ગરમી અને ઉકળાટમાં લાઈનમાં ઊભા રહેવું પડતાં મહિલાઓએ કચેરી પરિસરમાં જ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
એન્જિનિયરોની ઘોર બેદરકારીથી દર મહિને સર્જાય છે આ જ રાડ
સ્થાનિક ગ્રાહકોનો ગંભીર આક્ષેપ છે કે આ કોઈ એક દિવસની સમસ્યા નથી. MGVCL ના જવાબદાર એન્જિનિયરો અને ઉચ્ચ અધિકારીઓ આ બાબતે બિલકુલ ધ્યાન આપતા નથી, જેના કારણે દર મહિને બિલ ભરવાના દિવસોમાં આ જ પ્રકારની અંધાધૂંધી સર્જાય છે. ગ્રાહકોની માગ છે કે સીઝન દરમિયાન તાત્કાલિક ધોરણે વધારાના કાઉન્ટરો શરૂ કરવામાં આવે જેથી ખેડૂતો અને મહિલાઓનો સમય બગડતો અટકે.
આ પણ વાંચો - Chhotaudepur News: નસવાડીના કુકરદામાં હોનારત! નમી ગયેલી એચટી લાઈને ખેડૂતનો જીવ લીધો