ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં લેવામાં આવેલા એક નિર્ણયને પગલે સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે મોરચો માંડ્યો છે.


2010 પહેલાના શિક્ષકો માટે TET કેમ?

ઘટનાની મળતી માહિતી અનુસાર, શિક્ષકોના વિરોધનું મુખ્ય કારણ સરકાર દ્વારા વર્ષ 2010 પહેલા સેવાઓમાં જોડાયેલા જૂના અને અનુભવી શિક્ષકો માટે પણ Teacher Eligibility Testની પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય છે. શિક્ષકોનું કહેવું છે કે, જેઓ વર્ષોથી શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે, તેમની યોગ્યતા સાબિત કરવા માટે આટલા વર્ષો પછી પરીક્ષા આપવાનું દબાણ કરવું તે અન્યાયી છે.

તાલુકા શાળા નંબર 1 ખાતે જમાવડો

આ નિર્ણયના વિરોધમાં છોટાઉદેપુર નગરની તાલુકા શાળા નંબર 1 ખાતે જિલ્લાભરમાંથી સરકારી શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો એકત્રિત થયા હતા. હાથમાં વિરોધ દર્શાવતા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે શિક્ષકોએ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા. આ ધરણા પ્રદર્શનમાં મહિલા શિક્ષકો પણ મોટી સંખ્યામાં હાજર રહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આગામી રણનીતિ

શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓએ જણાવ્યું કે, આ માત્ર પ્રતિકાત્મક વિરોધ નથી. શિક્ષકો પોતાની માંગણીઓ સાથે એક વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચશે અને જિલ્લા કલેક્ટરને સત્તાવાર આવેદનપત્ર સુપરત કરશે. જો સરકાર દ્વારા આ નિર્ણય તાકીદે પરત ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની અને શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરવાની ચીમકી પણ શિક્ષક સંગઠનો દ્વારા આપવામાં આવી છે.


આ પણ વાંચો - Chhotaudepur: નસવાડી ખાતે ભીલ ચંદાબેન ચૂનીલાલ સાયન્સ સ્કૂલમાં વૃક્ષારોપણ કરાયું


  • Follow us on: