દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા-જામનગર હાઇવે પરથી એક ચોંકાવનારા અને ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હાઇવે પર આવેલા દાંતા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ એટલી વિકરાળ બની ગઈ હતી કે આખી કાર હાઇવેની અધવચ્ચે જ ભડભડ સળગી ઉઠી હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

કારમાંથી અચાનક ધુમાડા નીકળતા જ ચાલકે સમયસૂચકતા વાપરી ગાડી રોડ સાઇડ ઊભી રાખી દીધી હતી. આ ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો રોકાઈ ગયા હતા. જોતજોતામાં લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક જામ ખંભાળિયા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન

પ્રાથમિક દ્રષ્ટિએ આ ભીષણ આગ કારના એન્જિનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માત સમયે કારમાં સવાર મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. જો કે, ઘટનાસ્થળે એકત્રિત થયેલા સ્થાનિક લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ આગની ચપેટમાં આવવાથી કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેઓ સહેજ દાઝ્યા છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: