દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગપ્રસિદ્ધ શિવરાજપુર બીચ પરથી એક અત્યંત ચિંતાજનક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં મિત્રો સાથે ફરવા આવેલો મધ્યપ્રદેશનો એક પ્રવાસી યુવક દરિયાના તેજ પ્રવાહમાં તણાઈ જતાં લાપતા થયો છે. દરિયામાં સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે બીચ પર હાજર અન્ય પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો.


જાહેરનામા અને પ્રતિબંધ છતાં પ્રવાસીઓ દરિયામાં ઉતર્યા

મધ્યપ્રદેશથી ચાર મિત્રોનું એક ગ્રુપ દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે પ્રવાસે આવ્યું હતું. હાલ દરિયામાં ભારે કરંટ અને વહેણ તેજ હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ માટે ન્હાવા તેમજ તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તંત્રના આ કડક જાહેરનામા અને ચેતવણી હોવા છતાં, આ પ્રવાસીઓ જોખમ નોતરીને દરિયાના ઊંડા પાણીમાં ન્હાવા માટે ઉતર્યા હતા, જે દરમિયાન આ કરુણ દુર્ઘટના ઘટી હતી.

તેજ પ્રવાહમાં યુવક લાપતા, ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

દરિયાના જોરદાર કરંટ અને મોજાના તેજ પ્રવાહના કારણે એક યુવક અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો અને જોતજોતામાં આંખની સામે જ ઓઝલ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દ્વારકા ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્વિમિંગ અને લાઈફ જેકેટના સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોના જવાનો દ્વારા દરિયાના મોજાં વચ્ચે લાપતા બનેલા યુવકને શોધવા માટે યુદ્ધના ધોરણે શોધખોળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી યુવકનો કોઈ પત્તો મળ્યો નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: