દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાંથી એક અત્યંત ચિંતાજનક અને ગંભીર ઘટના સામે આવી છે. ભાણવડ નજીક આવેલા કૃષ્ણગઢ ગામમાં અજાણતામાં ઝેરી વનસ્પતિના બી ખાઈ લેવાના કારણે એક સાથે 7 બાળકોની તબિયત અચાનક લથડી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અને શ્રમિક પરિવારોમાં ભારે દોડધામ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
રમતા-રમતા ઝેરી એઈળાના બી ખાધાની આશંકા
ઘટનાની મળતી માહિતી અનુસાર, કૃષ્ણગઢ ગામની સીમમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારોના બાળકો ઘર નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન અજાણતામાં આ બાળકો ઝેરી વનસ્પતિ (એરંડા)ના બી ખાઈ ગયા હતા. બી ખાધાના થોડા જ સમયમાં તમામ બાળકોને ઝેરી અસર થવા લાગી હતી અને એક પછી એક 7 બાળકોની તબિયત એકાએક બગડવા લાગી હતી. બાળકોને ઉલ્ટીઓ અને અસહ્ય તકલીફ થતા જ પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ભાણવડથી જામ ખંભાળિયા સિવિલમાં રિફર કરાયા
એકસાથે સાત-સાત બાળકોની સ્થિતિ બગડતા જ વાલીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક તમામ બાળકોને સારવાર અર્થે ભાણવડની સરકારી હોસ્પિટલ ખાતે દોડાવી ગયા હતા. જોકે, અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ બાળકોની સ્થિતિ વધુ ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ વધુ જોખમ ન લેતા તમામ બાળકોને તાકીદે વધુ ઉચ્ચ સારવાર માટે જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે.
શ્રમિક પરિવારોમાં ચિંતા
હાલ તમામ સાતેય બાળકો જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પોતાની આંખો સામે માસૂમ બાળકોને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા જોઈ શ્રમિક પરિવારો ભાંગી પડ્યા છે, અને હોસ્પિટલ પરિસરમાં ચિંતાતુર દ્રશ્યો સર્જાયા છે. વહીવટી તંત્ર પણ આ મામલે સતર્ક બન્યું છે.
આ પણ વાંચો - Dwarka News: દ્વારકાધીશના ભક્તો માટે મોટા સમાચાર, 3 દિવસ દર્શનના સમયમાં ફેરફાર