દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના વડત્રા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ભણી-ગણીને પગભર થવાના સપના જોનારા એક 27 વર્ષીય આશાસ્પદ યુવાને નોકરી ન મળતા સર્જાયેલી હતાશામાં ઝેરી ટીકડી ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે વડત્રા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને એક પરિવારે પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવતા ઘરમાં માતમ છવાઈ ગયો છે.


આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો

મળતી વિગતો મુજબ, વડત્રા ગામે રહેતા હિતેશ નંદાણીયા નામના 27 વર્ષીય યુવાને આ આત્મઘાતી પગલું ભર્યું છે. હિતેશે ટેકનિકલ ક્ષેત્રે આગળ વધવા માટે આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ પૂરો થયા બાદ તે છેલ્લા ઘણા સમયથી લાયકાત મુજબની સારી નોકરી અને રોજગારી મેળવવા માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યો હતો. જો કે, લાંબી શોધખોળ અને સતત નિષ્ફળતા મળવાના કારણે તે માનસિક રીતે ખૂબ જ હતાશ અને મનોબોજ હેઠળ આવી ગયો હતો.

રોજગારીની કોઈ આશા ન દેખાતા આખરે આપઘાત

રોજગારીની કોઈ આશા ન દેખાતા આખરે ગતરોજ હિતેશે ઝેરી ટીકડી ગળી લીધી હતી જેના કારણે આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. એક તરફ સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ યોગ્ય નોકરીના અભાવે એક આઈટીઆઈ પાસ યુવાને આપઘાત કરવો પડતા સ્થાનિક સ્તરે રોજગારીની તકોને લઈને અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ આખી ઘટના અંગે વાલીઓ અને સ્થાનીય લોકોમાં પણ ઊંડી ચિંતા જોવા મળી રહી છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News live : અમદાવાદના મોટેરામાં વિરોધ વચ્ચે ડિમોલિશન શરુ, સ્થાનિકોની અટકાયત

  • Follow us on: