રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા વીઆઈપી સરકારી ભવન સ્વર્ણિમ સંકુલ-1માંથી આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી. સચિવાલય પરિસરમાં આવેલા સ્વર્ણિમ સંકુલ-1 ના બેઝમેન્ટ એરિયામાં સોમવારે અચાનક આગ ફાટી નીકળતાં થોડીવાર માટે મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.


AC કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ

પ્રાથમિક માહિતી અનુસાર, સ્વર્ણિમ સંકુલ-1ના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા સેન્ટ્રલ એસીના કોમ્પ્રેશરમાં કોઈ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં કોમ્પ્રેશરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થઈ ગયું હતું, જેને પગલે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો.

કોઈ જાનહાનિ નહીં, મોટી દુર્ઘટના ટળી

આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ બિલ્ડિંગમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર બ્રિગેડની મદદથી અત્યંત ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે, આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર તાત્કાલિક સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બહુ મોટી રાહતની વાત છે કે, સમયસર લેવાયેલા એક્શનને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી.

તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ

ઉલ્લેખનીય છે કે, સ્વર્ણિમ સંકુલ-1માં રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની ઓફિસો આવેલી હોવાથી આ સ્થળ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે હાલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!


  • Follow us on: