ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલા જામવાળા ગીર ગામે થોડા દિવસો પહેલાં એક યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. આ ચકચારી મર્ડર કેસને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ગીર સોમનાથ જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોની મદદથી આ કરપીણ હત્યાકાંડને અંજામ આપનારા મુખ્ય પાંચ આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ખેતરમાં લવાયા
હત્યાના આ ગુનામાં કાનૂની પુરાવાઓ મજબૂત કરવા અને કોર્ટ સમક્ષ સચોટ કેસ રજૂ કરવાના હેતુથી ગીર ગઢડા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમ પકડાયેલા પાંચેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જામવાળા ગીર ગામની સીમમાં આવેલા એ જ ખેતરમાં લઈ ગઈ હતી, જ્યાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓને જાહેરમાં ઘટનાસ્થળે લાવવામાં આવતાં જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેને પગલે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો.













