ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માટે રાજ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા મળી છે. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુત્રાપાડા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સુત્રાપાડા વિસ્તારના લોઢવા ગામેથી લાખો રૂપિયાના નશીલા પદાર્થના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી પંથકના નશાના વેપારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.
ગેરકાયદે વેચાણ થતું હોવાની ગુપ્ત બાતમી
મળતી સત્તાવાર માહિતી અનુસાર, પોલીસને લોઢવા ગામમાં નશીલા પદાર્થનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે SOG અને સ્થાનિક પોલીસે હનુમાન મઢી નજીક આવેલા એક ફળિયામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
8.42 લાખની કિંમતનો ગાંજો પકડાયો
આ દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ 16. 767 કિલોગ્રામ ગાંજાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અનુસાર આ જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે 8.42 લાખ જેટલી થાય છે. પોલીસે આ તમામ જથ્થો તેમજ આરોપી પાસેથી એક મોબાઈલ ફોન કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.
સ્થળ પરથી એકની અટકાયત
આ કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપી વિક્રમભાઈ ઓઘડભાઈ ભોળાની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે આરોપી આ વિસ્તારમાં લાંબા સમયથી ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો અને નાણાં કમાતો હતો.
પોલીસ તપાસ શરુ
આ મામલે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કડક કલમ 8(C) અને 20(2)(B) હેઠળ ગુનો નોંધી તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ પોલીસની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે અને હવે આ નેટવર્કના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તેની સઘન પૂછપરછ હાથ ધરાશે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી