મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી આગની એક અત્યંત મોટી ઘટના સામે આવી છે. હળવદના કોયબા ગામની સીમમાં આવેલી એક રબર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. રબરના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.
આકાશમાં છવાયા કાળા ધુમાડાના ગોટેગોટા
મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં રબરનો મોટો જથ્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી આખી કંપનીમાં ફેલાઈ ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે છે કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ફેક્ટરીમાંથી ધુમાડા ઉડતા જ આસપાસના મજૂરો અને સ્થાનિક લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. જો કે, આગ કયા કારણોસર લાગી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.













