જામનગર અને દેવભૂમિ દ્વારકા લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી દિનાબેન હેમતભાઈ માડમનું દુઃખદ અવસાન થયું છે. માતૃશ્રીના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ માડમ પરિવાર, સગા-સંબંધીઓ સહિત સમગ્ર જામનગર જિલ્લા અને ભાજપ સંગઠનમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.


નવાગામ ઘેડ સ્થિત નિવાસ્થાનેથી નીકળી અંતિમયાત્રા

મળતી માહિતી મુજબ, દિનાબેન હેમતભાઈ માડમના અવસાન બાદ માડમ પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. સ્વર્ગસ્થના નિવાસસ્થાન નવાગામ ઘેડ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં રાજકીય, સામાજિક અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ભાઈ-બહેનો જોડાયા હતા અને અશ્રુભીની આંખે દિનાબેનને અંતિમ વિદાય આપી હતી.

રાજકીય અગ્રણીઓ અને કાર્યકરોએ અર્પી શ્રદ્ધાંજલિ

સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રીના અવસાન પર ગુજરાતના અનેક વરિષ્ઠ રાજકીય નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સામાજિક આગેવાનોએ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના હોદ્દેદારો અને પાયાના કાર્યકરોએ પણ સાંસદ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. સ્વર્ગસ્થ દિનાબેનના આત્માને ભગવાન શાંતિ અર્પે અને માડમ પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ સોશિયલ મીડિયા પર પણ વહી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: