જામનગર જિલ્લામાં શુદ્ધ ખોરાકના નામે ઝેર પીરસતા તત્વો સામે તંત્રએ લાલઆંખ કરી છે. જામનગર ગ્રામ્ય પંથકના ધૂડશીયા ગામની સીમમાં ચાલતા એક શંકાસ્પદ ઘીના અડ્ડા પર પોલીસે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત દરોડો પાડીને મોટા પાયે ભેળસેળવાળું ઘી ઝડપી પાડ્યું છે. તંત્રએ સ્થળ પરથી આશરે રૂ. 1.57 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ગુપ્ત બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન

ઘટનાની મળતી વિગતો અનુસાર, પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ધૂડશીયા ગામની સીમમાં ભેળસેળવાળું શંકાસ્પદ ઘી બનાવવામાં કે, સંગ્રહ કરવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને નિર્દિષ્ટ સ્થળે ઓપરેશન હાથ ધર્યું હતું.


314 કિલો શંકાસ્પદ ઘીના 9 કેન જપ્ત

તંત્રએ જ્યારે પરેશભાઈ વણપરીયાના સ્થળે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી વનસ્પતિ ઘી કે અન્ય કેમિકલ મિશ્રિત હોવાની આશંકાવાળું ઘી મળી આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી મોટા 9 કેન મળી આવ્યા હતા, જેમાં કુલ 314 કિલો શંકાસ્પદ ઘી ભરેલું હતું. આ જપ્ત કરાયેલા ઘીની અંદાજિત બજાર કિંમત રૂ. 1,57,000 જેટલી થાય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ આ ઘીના સેમ્પલ (નમૂના) લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને તપાસ શરૂ કરી છે.


આરોપી રાજકોટનો હોવાનું ખુલ્યું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ શંકાસ્પદ ઘીના કારોબાર સાથે સંકળાયેલો મુખ્ય આરોપી પરેશભાઈ ભીમજીભાઈ વણપરીયા મૂળ રાજકોટનો રહેવાસી છે. તે અહીં જામનગરની સીમમાં આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો. હાલમાં લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ આરોપી સામે કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો - Jamnagar: રાજકોટમાં 14 વર્ષની કિશોરીનું હાર્ટ અટેકથી કરૂણ મોત, દીકરી રમતા રમતા બેભાન થઈ ઢળી પડી


  • Follow us on: