રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. જસદણના દેવપરા ગામે બેરોકટોક ચાલતા બિનકાયદેસર બેલાના ખનન પર જસદણ પોલીસે લાલ આંખ કરીને મોટો દરોડો પાડ્યો છે. આ આકસ્મિક દરોડા દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે ધમધમતી બેલાની ખાણનો પર્દાફાશ કર્યો છે. આ મેગા ઓપરેશનને પગલે સમગ્ર પંથકના ખનીજ માફિયાઓ અને ગેરકાયદેસર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સરપંચ પ્રતિનિધિ વિનુ સદાદીયાની સંડોવણી
આ ગેરકાયદેસર ખાણ દેવપરા ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ વિનુ ગોરધનભાઈ સદાદીયા દ્વારા ચલાવવામાં આવી રહી હતી. વિનુ સદાદીયા સત્તાની વગનો દુરુપયોગ કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સરકારી નિયમોના લીરેલીરા ઉડાડીને બેલાનું ગેરકાયદે ખનન કરતો હતો. જસદણ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સ્થળ પરથી બેલા કાપવાના ૫ મોટા કટીંગ મશીનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.













