ગુજરાત વિધાનસભાની 2027 ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તે પહેલાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન લેઉવા પટેલ સમાજના સર્વોચ્ચ અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને એક ખાસ શુભેચ્છા મુલાકાત લીધી છે. ભલે આ મુલાકાતને ઔપચારિક ગણાવવામાં આવી રહી હોય, પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠકને પગલે અનેક પ્રકારના તર્ક-વિતર્કો અને રાજકીય સમીકરણોની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નરેશ પટેલે ખોડલધામના ચેરમેન પદેથી નિવૃત્તિ લેવા અને આરામ કરવાની વાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ તરત જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (ખાસ કરીને સુરત) માં પાટીદાર સમાજ ચૂંટણીના પરિણામો બદલવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેથી આ મુલાકાત નવી રાજકીય દિશા નક્કી કરી શકે છે.
સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત
આ હાઈ-પ્રોફાઈલ બેઠક અંગે ખોડલધામના અગ્રણી અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નરેશભાઈએ ખોડલધામમાંથી નિવૃત્તિ અને આરામ અંગે જે વાત કરી છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પહેલાં પણ ઘણીવાર નનૈયો ભણી ચૂક્યા છે. જો કે, રમેશ ટીલાડાએ ઉમેર્યું કે, "રાજકારણમાં નરેશભાઈ જેવા સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત રહે છે. અમે તો વ્યક્તિગત રીતે એમ જ ઈચ્છીએ છીએ કે નરેશભાઈ સક્રિય રાજકારણમાં આવે."
ચા પાણી પીને છુટા પડ્યા છીએ
જો કે આ મામલે મીડિયા સાથે વાત કરતા નરેશ પટેલે કહ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી ચા પાણી પીને છુટા પડ્યા છીએ તે સિવાય કોઇ વાત નથી. નાયબ મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને સામાજીક ચર્ચાઓ થઇ છે તે સિવાય કોઇ વાત થઇ નથી
રાજકારણમાં ગરમાવો લાવી દીધો
હર્ષ સંઘવીની આ મુલાકાત માત્ર શુભેચ્છા બેઠક છે કે પાટીદાર સમાજને સાધવા માટેની કોઈ મોટી વ્યુહરચનાનો ભાગ છે, તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં આ ઘટનાએ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ