જૂનાગઢના સાબલપુર ચોકડી નજીક હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિંગદાણાની બોરીઓથી ચિચોચિચ ભરેલી એક ટ્રક જૂનાગઢ તરફથી રાજકોટ હાઇવે તરફ જઈ રહી હતી. આ દરમિયાન સાબલપુર ચોકડી પાસે અચાનક જ ટ્રકના ચાલકે વાહન પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ ભારેખમ ટ્રક રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અત્યંત ધડાકાભેર અને હિંસક રીતે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના કેબિનના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા.


ટ્રક ચાલકનું કરુણ મોત, અન્ય એક મુસાફર ગંભીર

આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર અશ્વિનભાઈ કોરડીયાને શરીરે અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. ટ્રક ચાલક અશ્વિન કોરડીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, અકસ્માત સમયે ટ્રકની કેબિનમાં સવાર અન્ય એક વ્યક્તિ પણ આ ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત થતાં જ આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હાઇવે પર સિંગદાણા વેરાતા વાહનવ્યવહાર ખોરવાયો

ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી જતાં, તેમાં ભરેલી સિંગદાણાની અસંખ્ય બોરીઓ ફાટી ગઈ હતી અને તમામ સિંગદાણા હાઇવેના મુખ્ય માર્ગ પર ચારેય તરફ વેરાઈ ગયા હતા. રસ્તા પર મોટા પ્રમાણમાં સિંગદાણા ફેલાઈ જવાના કારણે વાહનો સ્લિપ થવાનો ભય ઊભો થયો હતો, જેના લીધે રાજકોટ-જૂનાગઢ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક ડ્રાઇવરના શવને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: