સિંહભૂમિ ગણાતા જૂનાગઢના ગણેશનગર વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે વન વિભાગ દ્વારા એક ઊંડા કૂવામાંથી જે સિંહબાળ નું સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તેમાંથી એક સિંહબાળનો આજે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. આ સિંહબાળનું મોત કુદરતી છે, અન્ય વન્યજીવો સાથેની ઈનફાઈટ માં થયું છે કે પછી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, તે અંગે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.


કૂવામાં સિંહબાળ ખાબક્યું 

ઘટનાની વિગત એવી છે કે, ગઈકાલે ગણેશનગરની સીમમાં એક કૂવામાં સિંહબાળ ખાબક્યું હોવાની માહિતી મળતા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું.

એક સિંહબાળ અચાનક ગુમ થઈ ગયું 

 જો કે, રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ વન વિભાગની ગણતરીમાંથી એક સિંહબાળ અચાનક ગુમ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે વન વિભાગની જુદી-જુદી ટીમો છેલ્લા 24 કલાકથી આસપાસના જંગલ અને સીમ વિસ્તારમાં સઘન શોધખોળ ચલાવી રહી હતી.

માસૂમ સિંહબાળની લાશ મળી આવી 

આખરે આજે વન વિભાગની સર્ચ ઓપરેશન ટીમને ગણેશનગર નજીકથી જ આ ગુમ થયેલા માસૂમ સિંહબાળની લાશ મળી આવી હતી. વનરાજની હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી હોવાથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોસ્ટમોર્ટમ કરવામાં આવશે

મોતની આ ગંભીર ઘટના પાછળ કોઈ શિકારી ટોળકીનો હાથ છે કે કેમ, તે દિશામાં પણ વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, સિંહબાળના મૃતદેહને તાત્કાલિક જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં વેટરનરી પેનલ ડોક્ટરો દ્વારા સિંહબાળનું વિગતવાર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ હાઈપ્રોફાઈલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહબાળના મોતના સાચા કારણ પરથી પડદો ઊંચકાશે.


આ પણ વાંચો----  Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?


  • Follow us on: