ખેડાના મહેમદાવાદ પોલીસ મથકમાં જુગારના દરોડા દરમિયાન ઝડપાયેલા એક પ્રૌઢનું પોલીસ સ્ટેશનમાં જ શંકાસ્પદ મોત નીપજતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગઈકાલે બપોરે સુઢા વણસોલ ગામે જુગાર અંગે દરોડા પાડી કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાયેલા લોકોમાં 50 વર્ષીય ગોવિંદભાઈ ચૌહાણ પણ સામેલ હતા, જેમનું પોલીસ સ્ટેશનમાં જ અચાનક મોત થયું હતું.


ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ

ગોવિંદભાઈના અકાળે મોતને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે ગોવિંદભાઈ તદ્દન નિર્દોષ હોવા છતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનો જીવ ગયો છે.

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

પરિવારના ગંભીર આક્ષેપો અને તણાવપૂર્ણ સ્થિતિને જોતાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ગોવિંદભાઈના મૃતદેહને પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ (PM) કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, રોષે ભરાયેલા પરિવારે જ્યાં સુધી ગોવિંદભાઈને પકડી જનાર ત્રણ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં ન આવે, ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. મામલો વધુ વણસતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મધ્યસ્થી અને તપાસ માટે દોડી આવ્યો હતો.

CCTV ફૂટેજ જોતાં જ આક્ષેપો ખોટા સાબિત થયા

સ્થિતિને કાબૂમાં લેવા અને વાસ્તવિકતા સામે લાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. પોલીસે ગોવિંદભાઈના પરિવારના સભ્યોને પોલીસ સ્ટેશનમાં બનેલી સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ બતાવ્યા હતા. આ ફૂટેજ જોયા બાદ કસ્ટડીમાં માર મારવાના અને ટોર્ચર કરવાના પરિવારના આક્ષેપો ખોટા સાબિત થયા હતા અને સત્ય સામે આવ્યું હતું કે મોત પાછળ કોઈ પોલીસ હિંસકતા નહોતી. સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ પરિવારનો ગુસ્સો અને શંકા શાંત પડ્યા હતા. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: