ખેડાના મહેમદાવાદ પોલીસ મથકમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેમદાવાદ પોલીસની ટીમ દ્વારા તાલુકાના સૂંઢા વણસોલ ગામે બપોરના સમયે જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જુગારીઓની અટકાયત કરી હતી. જો કે, સ્થાનિકો અને પરિવારના આક્ષેપ મુજબ, આ જ સમયે ગામમાંથી પસાર થઈ રહેલા એક તદ્દન નિર્દોષ વ્યક્તિ ગોવિંદભાઈ રાયસીંગભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 50) ને પણ પોલીસે બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધા હતા અને પોલીસ મથકે લઈ આવી હતી.


પોલીસ મથકમાં જ મોત નીપજતાં ચકચાર

પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ ટૂંક જ સમયમાં 50 વર્ષીય ગોવિંદભાઈ ચૌહાણનું શંકાસ્પદ સંજોગોમાં પોલીસ સ્ટેશનની અંદર જ મોત નીપજ્યું હતું. પોલીસ મથકમાં પ્રૌઢનું મોત થતાં જ પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં થતાં જ મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો મહેમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં હોસ્પિટલ પરિસરમાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

'પોલીસના મારથી જ પિતાનું મોત થયું છે' : મૃતકના પુત્રનો આક્રોશ

આ સમગ્ર મામલે મૃતક ગોવિંદભાઈના પુત્રએ રડતાં રડતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "મારા પિતા બિલકુલ નિર્દોષ હતા અને તેમનો જુગાર સાથે કોઈ સંબંધ નહોતો. પોલીસના બેરહેમીપૂર્વકના અને અમાનુષી મારના કારણે જ મારા પિતાનું મોત નીપજ્યું છે." આ કથિત કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે સમગ્ર ખેડા જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મામલાને શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ કેસમાં તટસ્થ તપાસ માટે મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ કરવામાં આવી છે.


  • Follow us on: