ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ અંદાજિત રૂ.1700 કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માત્ર બે ભૌગોલિક વિસ્તારોને જોડનારો સેતુ નહીં પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિ,પીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારો સાબિત થશે. સરકાર દ્વારા આ યોજના માટે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


અંદાજિત 70 જેટલા દરવાજા મૂકાવામાં આવશે

સરકાર દ્વારા લેવાયેલો આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સામાજિક-આર્થિક સમીકરણોને બદલી નાખશે.પાણી,પરિવહન અને પ્રગતિનો આ ત્રિવેણી સંગમ ચરોત્તરથી ભરૂચ સુધીના વિસ્તારની સમૃદ્ધિનું નવુ સરનામું બની રહેશે.આ આધુનિક બેરેજ કમ બ્રિજનું નિર્માણ સ્થાપત્ય કલા અને આધુનિક સિવિલ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતાં મહી નદીના પટમાં વચ્ચે બે કિલોમીટરની લંબાઈનું બ્રીજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે.જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત 70 જેટલા દરવાજા મૂકાવામાં આવશે. 

પીવાના પાણીની કડાણા ડેમ ઉપરની આત્મનિર્ભરતા ઘટશે

જ્યારે બાકીના વિસ્તારમાં પ્રોટેક્શન બંધ બનાવવામાં આવશે.આ પ્રોજેક્ટમાં પૂર નિયંત્રણ ટેકનોલોજી અને મજબૂત ક્રોસ-વે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં પણ વાહનવ્યવહાર અને પાણીનો સંગ્રહ સુરક્ષિત રહી શકે.આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેની વિશાળ જળ સંગ્રહ શક્તિ છે. બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર જેટલા મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે.દર વર્ષે મહી નદીનું લાખો લીટર મીઠું પાણી દરિયામાં વહી જતું હતું, તેને આ બેરેજ દ્વારા રોકી શકાશે.હાલમાં આ વિસ્તારના લોકોના પીવાના પાણીનો મુખ્ય આધાર કડાણા ડેમ આધારીત છે. પરંતુ આ બેરેજનું નિર્માણ થવાની લોકોની પીવાના પાણીની કડાણા ડેમ ઉપરની આત્મનિર્ભરતા ઘટશે, અને આ સંગ્રહિત પાણી આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે. 

મહી નદીના શુદ્ધ અને મીઠા જળનો લાભ મળશે

હાલમાં આ વિસ્તારમાં દરિયાનું પાણી સીંધરોટ વીયર સુધી એટલે કે, અંદાજિત 50 કિ.મી. સુધી અંદર આવી જાય છે.લાંબા સમયથી દરિયાઈ ભરતીના કારણે આ જમીનોમાં સેલેનીટી એક મોટી સમસ્યા રહી છે.આ બદલપુર બેરેજના નિર્માણથી મીઠા પાણીનો મોટો સંગ્રહ થવાના કારણે જમીનની ખારાશનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જશે. તેના પરિણામે આશરે 16000 હેક્ટર જેટલો વિશાળ વિસ્તાર સીધો લાભિત થશે.મીઠા પાણીના પ્રભાવથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ તબક્કાવાર મોટો સુધારો આવશે.ખારાશ ઘટતાં ખેડૂતો વર્ષમાં બહુવિધ પાક લઈ શકશે,જેનાથી સ્થાનિક કૃષિ ક્ષેત્રે એક નવી હરિયાળી ક્રાંતિ આવશે અને જમીનની ફળદ્રુપતા પુનઃ જીવંત થશે.આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42 ગામો, વડોદરા જિલ્લાના 30 ગામો અને ભરૂચ જિલ્લાના 8 ગામો મળી અંદાજે 80 જેટલા ગામોના 15લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે.સરહદી ગામોને હવે મહી નદીના શુદ્ધ અને મીઠા જળનો લાભ મળશે. 


આ પણ વાંચોઃ Rajkot મનપાના જનરલ બોર્ડમાં ભારે હોબાળો, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો અને માર્શલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી



  • Follow us on: