ઉનાળાની સીઝન જામતા જ બજારમાં કેરીના રસની માંગનો ફાયદો ઉઠાવી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા તાલુકાના શોભાસણ ગામમાં આવેલી પ્રખ્યાત 'સકર ડેરી' માં ફૂડ વિભાગની ટીમે એકાએક આકસ્મિક દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપી પાડતા સમગ્ર પંથકના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
990 કિલો જેટલી કેરી, 170 કિલો તૈયાર કરેલો શંકાસ્પદ રસ મળ્યો
મળતી માહિતી મુજબ, ફૂડ અધિકારી વી.જે. ચૌધરી અને તેમની વિશેષ ટીમ દ્વારા આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડેરીના ઉત્પાદન સ્થળ પર તપાસ દરમિયાન કેમિકલ અને અખાદ્ય કલર યુક્ત રસ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી આશરે 990 કિલો જેટલી કેરી, 170 કિલો તૈયાર કરેલો શંકાસ્પદ રસ અને 120 લિટર પેપ્સીનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા કુલ 1,200 કિલો જેટલો અખાદ્ય માલ કબજે લઈને તેને તાત્કાલિક અસરથી નષ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેની બજાર કિંમત રૂપિયા 58,100 જેટલી આંકવામાં આવી છે.













