મહેસાણા જિલ્લાના એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા શહેરમાંથી એક ચોંકાવનારું ભેળસેળ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઊંઝામાં નકલી અને ઝેરી કલરવાળી વરિયાળી બનાવવામાં આવી રહી હોવાની પાકી બાતમી મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે ઊંઝાના શિવગંગા એસ્ટેટમાં આવેલા વેપારી નીમ કુમાર ગોવિંદભાઈ પટેલના ગોડાઉન પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન તંત્રએ કેમિકલ અને કલરની ભેળસેળ કરતા તત્વોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.


ઝેરી કેમિકલથી વરિયાળીને ગ્રીન બનાવવાનું કૌભાંડ

ગોડાઉનમાં હલકી ગુણવત્તાની વરિયાળીના પાલામાં પ્રતિબંધિત લીલો કલર અને ચમકદાર કેમિકલ મિક્સ કરવામાં આવી રહ્યું હતું. વરિયાળી વધુ પડતી ગ્રીન, તાજી અને આકર્ષક દેખાય તે માટે આ જોખમી પ્રક્રિયા કરી તેને 1 કિ.ગ્રા.ના આકર્ષક પેકિંગમાં પેક કરવામાં આવી રહી હતી. આ નકલી વરિયાળી બજારમાં ગ્રાહકો સુધી વેચાણ અર્થે પહોંચે તે પહેલા જ ફૂડ વિભાગે તેને પકડી પાડી ગંભીર સ્વાસ્થ્ય જોખમ ટાળ્યું હતું. ગોડાઉનમાંથી કુલ 4,766 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 8,57,880/- આંકવામાં આવી છે.

નમૂના લેબોરેટરીમાં મોકલાયા, કડક કાર્યવાહીની તૈયારી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ આખો રૂ.8.57 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ તાત્કાલિક ધોરણે સીઝ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ વરિયાળી અને ઉપયોગમાં લેવાતા કેમિકલના નમૂના (સેમ્પલ) લઈને તેને ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ માટે મોકલી આપ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારી નીમ કુમાર પટેલ સામે કાયદેસરનો ગુનો નોંધી કોર્ટમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડાથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: