ઉત્તર ગુજરાતના વેપારી મથક ગણાતા ઊંઝાના સ્થાનીય રાજકારણમાંથી એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઊંઝા નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. સ્થાનિક કક્ષાએ ઉઠેલા ભારે અસંતોષ અને સમાજના તીવ્ર વિરોધને પગલે પાલિકાના શાસકોને મોટો ફેરબદલ કરવાની ફરજ પડી છે. પાલિકાના શક્તિશાળી ગણાતા કારોબારી ચેરમેન પદેથી અનિતાબેન પ્રજાપતિની વિદાય થઈ છે અને તેમના સ્થાને હવે અલકેશ પટેલની સત્તાવાર નિયુક્તિ કરી દેવામાં આવી છે.
આંટા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો
મળતી માહિતી મુજબ, ઊંઝા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ સમીકરણો ગોઠવીને કારોબારી ચેરમેન તરીકે અનિતાબેન પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ જાહેરાત બાદ સ્થાનિક સ્તરે આંટા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સમાજના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા આ નિમણૂંક સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ આંતરિક વિરોધના કારણે ઊંઝાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો અને મામલો ગાંધીનગર હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હોવાની ચર્ચા હતી.













