અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મોડાસા નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ શોપિંગ સેન્ટરના ધાબાની પેરાફિટ (પાલખ) અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે શોપિંગ સેન્ટર અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પેરાફિટનો મોટો કાટમાળ નીચે પડવાના કારણે ત્યાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે.


એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અને તંત્ર સામે આક્રોશ

ટાઉનહોલ શોપિંગ સેન્ટરની આ જર્જરિત પેરાફિટ જ્યારે નીચે પડી ત્યારે તેની ઝપેટમાં એક સ્થાનિક વ્યક્તિ આવી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં મોડાસા નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન કામગીરી અને જર્જરિત ઇમારતોના યોગ્ય મરામતની અભાવે આ દુર્ઘટના ઘટી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સદનસીબે ઘટના સમયે વધુ ભીડ ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.

દુકાનો બંધ કરાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

અકસ્માતની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસ અને નગરપાલિકાની ઉચ્ચ અધિકારીઓની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વધુ કોઈ અણબનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે શોપિંગ સેન્ટરની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા જેસીબી અને મજૂરોની મદદથી હાઈવે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલો ભારેખમ કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, તેમજ ઇમારતના અન્ય જોખમી ભાગોને ઉતારી લેવાની કવાયત પણ શરૂ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: