મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના કામ સામે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ કૃષિ મંત્રી અને ઉચ્ચ સરકારી અધિકારીઓએ ખેડૂતોને આ કામ બંધ રાખવા માટે ખાતરી આપી હતી, પરંતુ આ ખાતરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. ગામમાં એક તરફ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ તમામ નિયમોને નેવે મૂકીને ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી ધમધમાટ ચાલુ રાખવામાં આવી છે.


ઉપવાસી ખેડૂતના ખેતરમાં જ નખાયા પોલ

આ વિરોધ પ્રદર્શનમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, વીજ કંપનીના વિરોધમાં ઉપવાસ છાવણી પર બેઠેલા ખેડૂત નેહુલભાઈ અમૃતિયાના પોતાના ખેતરમાં જ કંપની દ્વારા બળજબરીપૂર્વક પોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. એટલું જ નહીં, ભારે મશીનરી લાવીને પોલ ઊભા કરવા માટે આખા ખેતરની અંદર મેટલ નાંખીને આખો રોડ બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતની ઉપજાઉ જમીનને મોટું નુકસાન થયું છે.


પાકને ભારે નુકસાન, વધારાની જમીન સામે યોગ્ય વળતરની માગ

ખેડૂતોનો દાવો છે કે, વીજ કંપનીની આ જોહુકમીના કારણે તેમના ઉભા પાક અને ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. પોલ ઊભા કરવા માટે જેતપરના ખેડૂતોની કિંમતી જમીનનો વધારાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે, તેમના પાક અને ખેતીને થયેલા નુકસાનનું વળતર કોણ આપશે? પીડિત ખેડૂતોએ સરકારી તંત્ર પાસે માગ કરી છે કે, જ્યાં સુધી વધારાની જમીન સામે યોગ્ય અને ન્યાયી વળતર ન મળે ત્યાં સુધી આ કામગીરી તાત્કાલિક અટકાવવામાં આવે.


આ પણ વાંચો - Morbi : જેતપરના ખેડૂત આંદોલનના 9મા દિવસે ગ્રામ પંચાયતની સામુહિક રાજીનામાની ચીમકી, સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ


  • Follow us on: