નડિયાદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે. આ પ્રથમ વરસાદે જ નડિયાદ નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. પાલિકાના દાવાઓ વચ્ચે તંત્રનો એક્શન પ્લાન તદ્દન ફેલ સાબિત થયો છે. શહેરમાં ચારેય તરફ પાણી ભરાઈ જતાં નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. બંને ભાગોને જોડતા માર્ગો બંધ થઈ જતાં સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.


રેલવે સ્ટેશન નજીક કલાકો સુધી ટ્રાફિકજામ

ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો અને તમામ મુખ્ય અંડરપાસ (ગરનાળા) પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નડિયાદના શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળા, માઇમાતા ગરનાળા અને વૈશાલી ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે તેને બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, દેસાઈ વગા સહિતના રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ગરનાળાઓ બંધ થવાના કારણે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી અને કલાકો સુધી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અધૂરી કામગીરી નડિયાદવાસીઓ માટે બની મુસીબત

નડિયાદ શહેરમાં સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિ પાછળ વહીવટી તંત્રની બેદરકારી પણ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કાસ (ગટર/નાળા)ની સફાઈ અને લાઈન નાખવાની કામગીરી લાંબા સમયથી અધૂરી પડી છે. આ અધૂરા કામોના લીધે એક તરફનો રસ્તો પહેલેથી જ બંધ હતો, અને હવે બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર માટેના તમામ રસ્તા બ્લોક થઈ ગયા છે. કાસના યોગ્ય નિકાલના અભાવે પાણી રોડ પર ફરી વળ્યા છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: