પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી એક અત્યંત શ્વાસ અધ્ધર કરી દેનારી ઘટના સામે આવી છે. કાલોલના બાકરોલ ગામ પાસેથી પસાર થતી કરાડ નદીમાં અચાનક પાણીની ભારે આવક થતાં નદીનું સ્તર એકાએક વધી ગયું હતું. આ સમયે બાકરોલ ગામ નજીક કરાડ નદી પર બ્રિજ (પુલ) બનાવવાની કામગીરી ચાલી રહી હતી. નદીના પટમાં કામ કરી રહેલું એક જેસીબી (JCB) મશીન પાણીના જોરદાર પ્રવાહમાં જોતજોતામાં ડૂબી ગયું હતું, જેને કારણે જેસીબીના ઓપરેટર અને એક સ્થાનિક નાગરિક સહિત બે વ્યક્તિઓ નદીના વહેણમાં અધવચ્ચે ફસાઈ ગયા હતા.
ગોધરાથી ફાયર ફાઇટરની ટીમો બોલાવાઈ
અચાનક ધસમસતા આવેલા પૂરના પાણીમાં જેસીબી આખું ડૂબી જતાં બંને વ્યક્તિઓએ જીવ બચાવવા માટે ત્યાં નિર્માણ પામી રહેલા બ્રિજના પીલરના લોખંડના સળિયા પકડી લીધા હતા. કલાકો સુધી બંને શખ્સો સળિયાના સહારે મોત સામે ઝઝૂમતા રહ્યા હતા. આ ભયાવહ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી સફળતા મળી ન હતી. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને કાલોલ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.













