યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પડેલા ભારે વરસાદના કારણે પાટિયાપુલ નજીક અચાનક એક મોટી ભેખડ ધસી પડતાં ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે બનેલી આ હોનારતમાં પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ પગથિયાં પર ખાબકતાં દર્શન કરવા આવેલા બે શ્રદ્ધાળુઓના દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 4 યાત્રાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ હોસ્પિટલ પહોંચીને ઘાયલોની મુલાકાત લીધી હતી અને તેમની સ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. હાલ તંત્ર દ્વારા પર્વત પરના જોખમી સ્પોટનું સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી આવી ઘટના ફરી ન બને.
બે થી વધુ વ્યક્તિઓ પથ્થરો નીચે દબાયા
આ દુર્ઘટના એટલી અચાનક થઈ કે ત્યાં હાજર લોકોને સંભાળવાની તક પણ ન મળી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભેખડ ધસી પડવાની ઘટનામાં બે થી વધુ વ્યક્તિઓ પથ્થરો નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
https://twitter.com/sandeshnews/status/2067831867966116131
અફરાતફરીનો માહોલ સર્જાયો
ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને વધુ અકસ્માત નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાવાગઢ ડુંગર પર જતો તમામ ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ડુંગર તરફ જતા વાહનો અને શ્રદ્ધાળુઓને નીચે જ રોકી દેવામાં આવ્યા છે, જેના કારણે માર્ગ પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે.
સ્થાનિક વહીવટી તંત્ર દોડ્યું
ભેખડ ધસવાના આ ગંભીર બનાવને પગલે સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, ઉપરથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને ધુમ્મસિયા વાતાવરણના કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરાર, હવે હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખુલશે ? વાંચો તમારા મનના તમામ સવાલોના જવાબ