ગુજરાતમાં વરસાદે પગપેસારો શરુ કરી દીધો છે અને સાથે જ મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. જિલ્લામાં મોડી રાત્રિ દરમિયાન સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. મુખ્ય મથક લુણાવાડા અને બાલાસિનોર સહિત આસપાસના વિસ્તારોમાં રાતભર મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.


ખાનપુર પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી

માત્ર શહેરી વિસ્તારો જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે. ખાનપુર પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે, જ્યારે કોઠંબા તાલુકા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ એક ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજા મન મૂકીને વરસતા સમગ્ર મહીસાગર જિલ્લાનું વાતાવરણ આહલાદક બની ગયું છે.

ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા

આ વરસાદ ખેતી માટે અમૃત સમાન સાબિત થઈ રહ્યો છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં પડેલો આ વરસાદ સંપૂર્ણપણે વાવણી લાયક હોવાથી ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદથી પાકને નવું જીવન મળશે અને હવે વાવણીના કાર્યો વેગ પકડશે. વરસાદના આગમન સાથે જ ખેતરોમાં હળ ચલાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ચારેય તરફ ખુશીની લહેર જોવા મળી રહી છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરાર, હવે હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખુલશે ? વાંચો તમારા મનના તમામ સવાલોના જવાબ

  • Follow us on: