રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આવેલા બેટી ગામ નજીક એક બેફામ ગતિએ આવી રહેલા ટેન્કર અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઈકો કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો સ્પીડમાં થયો હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં 4 લોકો થયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે ચીસિયારીઓ અને કલ્પાંત મચી ગયો છે.













