સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના રાજગઢ ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.
પગ લપસી જતાં 25 વર્ષનો યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજગઢ ગામમાં રહેતો 25 વર્ષીય આશાસ્પદ યુવક હિતેશભાઈ રાયસીંગભાઈ થોરા કેનાલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર અચાનક તેનો પગ લપસી ગયો હતો. પગ લપસી જવાના કારણે હિતેશ સીધો કેનાલના ઊંડા અને વેગવંતા પાણીમાં ખાબક્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોવાના લીધે તે પોતાની જાતને બચાવી શક્યો ન હતો અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.













