આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટ્ટમાંથી બેરોકટોક દોડતા ઓવરલોડ વાહનો અને ભૂમાફિયાઓ સામે ખુદ સ્થાનિક ધારાસભ્યે રસ્તા પર ઉતરીને લાલ આંખ કરી છે. સુંદરપુરા-લાલપુરા મહીસાગર નદી વિસ્તારમાંથી ક્ષમતા કરતા વધુ રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરોને ઉમરેઠ-સુરેલી રોડ પર ધારાસભ્ય હર્ષદ પરમારે જાતે રોકીને કડક ચેકિંગ હાથ ધર્યું હતું. ધારાસભ્ય અચાનક એક્શન મોડમાં આવતા જ ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
તાડપત્રી ઢાંક્યા વગર જોખમી રીતે દોડતા વાહનો સામે વાંધો
મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાંથી સાદી રેતી ભરીને નીકળતા ડમ્પર ચાલકો નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હતા. ઓવરલોડ રેતી ભરવા છતાં ડમ્પર પર તાડપત્રી ઢાંકવામાં આવતી નહોતી, જેના કારણે હવામાં રેતી ઉડતી હતી અને પાછળ આવતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હતા. આ માર્ગ પરથી પસાર થતી વખતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારની નજરે આ જોખમી ડમ્પરો ચડ્યા હતા. તેમણે તાત્કાલિક ગાડી ઊભી રખાવી તમામ ડમ્પરોને લાઈનસર રોકી દીધા હતા અને સ્થળ પર જ તપાસ શરૂ કરી હતી.













