ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા કાજરડી ગામ નજીકથી એક અત્યંત ચોંકાવનારો અને અરેરાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાજરડી ગામની સીમમાં આવેલા એક આશરે 17 ફૂટ ઊંડા પડતર કૂવામાંથી એક અજાણ્યું હાડપિંજર મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૂવામાંથી માનવ અવશેષો દેખાતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને આ અંગેની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારોને કરવામાં આવી હતી.
7 મહિનાથી લાપતા ઝીણાભાઈ સોલંકી તરીકે ઓળખ થઈ
કાજરડી ગામે રહેતા 55 વર્ષીય આધેડ ઝીણાભાઈ કાળાભાઈ સોલંકી છેલ્લા 7 મહિનાથી ભેદી સંજોગોમાં ગુમ હતા. પરિવારજનો દ્વારા છેલ્લા સાત મહિનાથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગતો ન હતો. આજે આ 17 ફૂટ ઊંડા પડતર કૂવામાંથી હાડપિંજર મળી આવતાં જ ઝીણાભાઈના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કપડાં અને અન્ય બાબતોના આધારે પરિવારે આ હાડપિંજર 7 મહિનાથી ગુમ થયેલા ઝીણાભાઈ સોલંકીનું જ હોવાની પુષ્ટિ કરી ઓળખ કરી હતી. આ ઓળખ થતાં જ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.













