બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલી આનંદનગર કોલોની ખાતે સોમવારે આશા વર્કર મહિલાઓએ પોતાની પડતર માગો અને અન્યાય સામે ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતી આ મહિલાઓ લાંબા સમયથી પડતી મુશ્કેલીઓને લઈને રસ્તા પર ઉતરી આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થતાં સ્થાનિક સ્તરે મામલો ગરમાયો હતો અને વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની ગયું હતું.
રેલીની મંજૂરી ન મળતા સરકાર સામે તાનાશાહીનો આક્ષેપ
આશા વર્કર બહેનો પોતાની માગોને લઈને શાંતિપૂર્ણ રીતે રેલી યોજવાની તૈયારી કરી રહી હતી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ રેલી યોજવાની મનાઈ કરી દેવામાં આવી હતી. રેલીની મંજૂરી ન મળતા આશા વર્કરોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે સરકાર પર લોકશાહીના હનનનો અને તાનાશાહી વલણ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, મંજૂરી ન મળવા છતાં બહેનો અટકી ન હતી અને અલગ-અલગ નાની ટીમો બનાવીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગઈ હતી.
ચાર મહિનાથી પગાર બાકી, ગુજરાન ચલાવવું મુશ્કેલ
આશા વર્કરોના આક્રોશનું મુખ્ય કારણ છેલ્લા ચાર મહિનાથી અટકેલો પગાર છે. બહેનોએ જણાવ્યું કે, સતત ચાર મહિનાથી મહેનતાણું ન મળવાના કારણે તેમના પરિવારો આર્થિક સંકટમાં મૂકાયા છે, અને ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, મોંઘવારીના આ જમાનામાં સરકાર દ્વારા આપવામાં આવતું લઘુત્તમ વેતન પણ અત્યંત અપૂરતું છે, જે પાયાના કામદારોનું શોષણ સમાન છે.

માગ પૂરી નહીં થાય તો પોલિયો અભિયાનના બહિષ્કારની ચીમકી
કલેક્ટર કચેરી ખાતે પહોંચેલી આશા વર્કર બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપીને વહેલી તકે ન્યાય આપવાની માગ કરી છે. આ સાથે જ મહિલા સંગઠનોએ સરકારને ખુલ્લી ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે અને પગાર ચૂકવવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં યોજાનારા રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.

આ પણ વાંચો - Tharad News: મુખ્ય નર્મદા કેનાલ બની 'મોતની કેનાલ', 2 દિવસમાં 3 મૃતદેહ મળ્યા