વાવ-થરાદ પંથકમાંથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગેરરીતિ આચરતા પ્રતિનિધિઓ સામે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. થરાદ તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર કરવાનો એક મોટો અને કડક આદેશ જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવ્યો છે. સરપંચ સામે લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કલ્પેશ કુમાર શર્મા દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.


સત્તાનો દુરુપયોગ અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો આરોપ સાબિત

રામપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીતાબેન ભાવપૂરી ગૌસ્વામી સામે પોતાની ફરજોમાં બેદરકારી રાખવા, કસુરવાર સાબિત થવા, ગેરવર્તણુક કરવા તેમજ સત્તાનો દુરુપયોગ કરવા અંગેની ગંભીર ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ગામના ગૌચરની કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આટલું જ નહીં, ગૌચરના દબાણ મામલે ઉચ્ચ વહીવટી તંત્રને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પણ તેમની સામે આક્ષેપ હતો. તપાસ સમિતિના અહેવાલમાં આ તમામ આરોપો સાબિત થતાં આખરે તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.

30 દિવસમાં ગાંધીનગર ખાતે અપીલ કરવાની તક

જિલ્લા વિકાસ અધિકારીના આ આદેશ બાદ રામપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ પરથી સીતાબેન ગૌસ્વામીની સત્તાનો અંત આવ્યો છે. જો કે, કાયદાકીય જોગવાઈઓ અનુસાર, જો પૂર્વ સરપંચ આ નિર્ણયથી સંતુષ્ટ ન હોય, તો તેઓ આ હુકમની સામે આગામી 30 દિવસની અંદર અધિક વિકાસ કમિશનર, ગાંધીનગરની કચેરી ખાતે પોતાની અપીલ દાખલ કરી શકશે. સરકારી જમીનો અને ગૌચરની સુરક્ષા બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી અન્ય ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: