ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા વાવ-થરાદ પંથકના ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે. વરસાદના અભાવે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે સિંચાઈના પાણીની માગ સાથે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વાવ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં લાખણીના વાસણા ખાતે આવેલી સુજલામ સુફલામ કેનાલ પર એકત્રિત થયા હતા અને સરકાર સામે મોરચો માંડ્યો હતો.

ઢોલ વગાડી સરકાર સામે નોંધાવ્યો વિરોધ

કેનાલ પર પહોંચેલા ખેડૂતોએ અનોખી રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. ધરતીપુત્રોએ ઢોલ વગાડીને સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને સુજલામ સુફલામ કેનાલ પર બેસીને ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે, અત્યારે પાક બચાવવા માટે સિંચાઈના પાણીની સખત જરૂરિયાત છે, તેથી સરકાર તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી છોડે.

બાજરી-મગફળીના વાવેતર પર સંકટ

હાલ ખેડૂતો માટે બાજરી અને મગફળી સહિતના ખરીફ પાકના વાવેતરનો અત્યંત મહત્વનો સમય ચાલી રહ્યો છે, પરંતુ પૂરતું પાણી ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આર્થિક નુકસાનીના ડર વચ્ચે ખેડૂતોએ સરકારને ખુલ્લી ચીમકી આપી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવે, તો આગામી ટૂંક સમયમાં હજારો ખેડૂતો સાથે મળીને ચાંગા પંપીંગ સ્ટેશન પર ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો - Banaskantha News: વાવ-થરાદ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ