મોરબી પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, તંત્ર દ્વારા શહેરમાં પુરતું પાણી વિતરણ કરતા હોવાના દાવા વચ્ચે સામાકાંઠા વિસ્તારની અનેક સોસાયટીમાં પાણીની સમસ્યા સપાટી પર આવી છે અને અપૂરતું અને જે પાણી મળે છે તે પણ દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાનું સ્થાનિક લોકો બળાપો કાઢી રહ્યા છે અને મહાનગર પાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પાણીની સમસ્યાના નિવારણ માટે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું
મોરબી શહેરના વોર્ડ નંબર 4ના ચામુંડા નગર, શક્તિનગર, માળિયા, વનાળીયા, ઉમિયાનગર સહિતના વિસ્તારમાં પાણીનો કકળાટ ઉભો થયો છે અને તેની રજૂઆત સ્થાનિક લોકોએ અવાર નવાર જવાબદાર તંત્રને કરી છે. પરંતુ નીમ્ભર તંત્રએ સ્થાનિક લોકોની રજૂઆત અણદેખી કરતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને માટલા ફોડી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાણીની સમસ્યાના નિવારણ માટે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે અને શહેર પ્રમુખ દ્વારા વિવિધ વિસ્તારની મુલાકાત લઈ પ્રશ્નો સાંભળી મહાનગર પાલિકામાં રજૂઆત કરી રહ્યા છે.
પાણીની તંગીથી લોકો પરેશાન
આ અંગે શહેર પ્રમુખ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જો પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને જરૂર પડ્યે મોટું આંદોલન કરીશું. બીજી તરફ પાણીના પ્રશ્નને લઈ મહિલાઓએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે જેમાં પાણી વિના કપડા ધોવા, વાસણ ધોવા, રસોઈ બનાવવા ન્હાવા સહિતની જીવન જરૂરિયાતની કામગીરી તેમજ પીવાના પાણીની પણ તંગી જોવા મળે છે. જેથી વહેલી તકે તેમના વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.