ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી રૂ.90 લાખની લૂંટ ચલાવી હતી.જેમાંથી પોલીસે બે આરોપીઓને રૂ.72 લાખની રકમ સાથે પકડી લીધા છે.જ્યારે ફરાર ચારથી પાંચ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઇ ભાલોડી ગઈકાલે રૂ.90 લાખની રોકડ રકમ લઈ મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા.ત્યારે તેમનો લાંબા સમયથી પીછો કરીને આવતી બે કારે ખજૂરા હોટલ પાસે જોરદાર ટક્કર મારી હતી અને આ રકમ લૂંટી તેઓ ફરાર થઇ ગયા હતા.


72 લાખની રકમ સાથે બે આરોપી પકડાયા

ફરિયાદીએ તેમના જાણીતા રાજકોટના સિનિયર પોલીસ અધિકારીને તુરંત જાણ કરી હતી.જેઓએ ડીવાયએસપી ઝાલાને જાણ કરતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી.આ સાથે આરોપીઓને અટકાવવા પોલીસે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. બે આરોપી અભિ લાલાભાઈ અલગોતર,અભિજીત ભાવેશભાઈ ભાર્ગવને રૂ.72 લાખની રોકડ સાથે લતીપર રોડ ઉપરથી પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે.આ બધા આરોપીઓ ભાવનગર પંથકના છે.જેમાં એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.પકડવાના બાકી આરોપીઓ હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા, નિકુલભાઈ કાનાભાઇ અલગોતર,દર્શીલ ભરવાડ અને કાનો આહીર તેમજ એક અજાણ્યા વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

પોલીસ સહિતની ટીમોએ એક્ટિવ થઈ નાકાબંધી કરી હતી

એસપીએ કહ્યું કે કોઈ જાણભેદુએ જ આંગડિયા પેઢીના માલિકની માહિતી લીક કરી હોવાની આશંકાના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. 72 લાખની રોકડ રિકવર કરવામાં આવી છે. બે કાર અને ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. આ રકમ ફરિયાદી ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે પણ તપાસ કરાશે.અગાઉ નાકાબંધીની મોકડ્રિલ કરી હતી જેના આધારે ગણતરીના સમયમાં જ બન્ને ડીવાયએસપી, એસઓજી, એલસીબી, ટંકારા પોલીસ, વાંકાનેર પોલીસ સહિતની ટીમોએ એક્ટિવ થઈ નાકાબંધી કરી હતી. 

  • Follow us on: