- તમામ ક્ષતિઓની જવાબદારી શિક્ષણ મંત્રીએ સ્વીકારી
- શાળાઓમાંથી સોમવાર સુધી માહિતી મંગાવી: પાનસેરિયા
- ઓરડાની ઘટ અંગે પણ શિક્ષણ મંત્રીએ આપી પ્રતિક્રિયા
નવસારીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકો અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ શાળાઓમાં ઓરડાઓની ઘટ છે તે અંગે પણ માહિતી મંગાવવામાં આવી છે.
નવસારીમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકો વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, બનાસકાંઠાની પાંચા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બહેન વિદેશમાં સ્થાયી થયા છે. જેમને રજા દરમિયાનનો કોઈ પગાર ચુકવવામાં આવેલ નથી. તેમજ તેમને રજા અંગે નોટીસ પણ પાઠવવામાં આવેલ છે.
બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
બનાસકાંઠામાં શિક્ષણની પોલમપોલ જોવા મળી રહી છે. સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મફતમાં વિદેશમાં રહીને પગાર પચાવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. અંબાજી બાદ સરહદી વિસ્તારમાં પણ આવા જ એક શિક્ષકની ઘટના સામે આવી હતી. થરાદની પ્રા. શાળામાં દર્શનભાઈ નામના શિક્ષક 2 વર્ષથી ગેરહાજર છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. આ શિક્ષક શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર 2 વર્ષથી ગેરહાજર છે. માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડા રહે છે. પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈએ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી હતી. જેમાં દર્શનભાઈએ તેમને કહ્યું હતું કે હું કેનેડા છુ અને હવે હું અહીં જ રહેવાનો છું. હું શાળામાં આવવાનો નથી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો.
શિક્ષક રાજીનામું આપ્યા વગર કેનેડા સ્થાયી થયા
આ ઉપરાંત ભરતભાઈને રાજીનામું આપવા કહેવાયું તો તેમને રાજીનામું પણ મુક્યું ન હતું. અને પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. શિક્ષક ભરતભાઈએ તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા શિક્ષણ શાખામાં રજૂઆત કરી હતી. છતાં પરિણામ કંઈ જ આવ્યું નથી. તેમજ શાળા અને SMC દ્વારા વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી. ત્યારે જાણે શિક્ષણ વિભાગ પોતે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શિક્ષિકા બાદ શિક્ષકનો આવો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં આવા તો કેટલાય ભૂતિયા શિક્ષકો સીધા જ સરકારી પગાર લઈને સરકાર તેમજ વિદ્યાર્થીઓને ઊઠા ભણાવે છે.
અગાઉ આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી હતી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહેવા ગયા છે. તેમ છતાં, તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહ્યા છે અને પગાર લઈ રહ્યા છે. વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી હતી.
બનાસકાંઠાના અંબાજીની પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા ભાવનાબેન અમેરિકાના નાગરિક થયા છે
ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે સ્થાયી થયા છે. આમ છતાં અંબાજીની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ભાવનાબેન પટેલનું નામ ચાલી રહ્યું છે. સાથે જ તેમનો પગાર પણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે. ભાવનાબેન પટેલ દિવાળીની રજાઓમાં વર્ષમાં એકવાર ગુજરાત આવે છે. આ સમયગાળા દરમિયાન શાળાઓ બંધ છે. આવી સ્થિતિમાં તેઓએ ન તો બાળકોને ભણાવવાના હોય છે અને ન તો શાળાએ જવાનું હોય છે. માતા-પિતા અને ઈન્ચાર્જ આચાર્યએ સત્તાધીશોને ભાવનાબેન વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી સાચી હકીકત જણાવી છે.
આમ છતાં અધિકારીઓ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે માહિતી આપતા ઈન્ચાર્જ આચાર્યા પારૂલબેન જણાવે છે કે, ભાવનાબેન 2013થી શિકાગોમાં સ્થાયી થયા છે. તે દિવાળીની રજાઓમાં જ આવે છે અને સરકારી પગાર લે છે. આ બાબત મારી જાણમાં આવતાં જ મેં મારા અધિકારીઓને આ વાસ્તવિકતા વિશે જાણ કરી, જેથી બાળકોના શિક્ષણને થતું નુકસાન અટકાવી શકાય. શાળામાં છેલ્લે નોંધાયેલ હાજરી 25 જાન્યુઆરી 2023 ના રોજ હતી. આ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારીનું કહેવું છે કે ભાવનાબેન છેલ્લે 25 જાન્યુઆરી 2023ના રોજ શાળાએ ગયા હતા. આ પછી, તેઓ પગાર ન લેવાની શરતે 1 જાન્યુઆરી, 2024 થી રજા પર છે. શાળાની મુલાકાત દરમિયાન આ બાબત પ્રકાશમાં આવતાં ભાવનાબેનને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ તેમની સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. જેનું જલ્દી નિરાકરણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિરાકરણ લાવવામાં આવશે.