- નિયમ મુજબ 5 વાગ્યા સુધી મતદાન માટે પેટી ખુલ્લી રહેશે
- ગઈકાલે જ ક્રોસ વૉટિંગની કરી હતી ભવિષ્યવાણી
- કાંધલ જાડેજાએ ક્રોસ વૉટિંગ કરીને મુર્મુને મત આપ્યો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વખતે NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને UPA તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ તેમજ રાજ્યના વિપક્ષના નેતાઓએ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન કર્યું છે. એવામાં ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગુજરાતમાં 178 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. નિયમ મુજબ સાંજે 5 વાગ્યા સુધી મતદાન પેટી ખુલ્લી રહેશે. ગુજરાત લોકશાહી માટે કાયમ મજબૂત અને દાખલારૂપ રહ્યું છે. રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ હોય છે અને અને સમગ્ર દેશ તેમની સહીથી જ ચાલે છે. દેશમાં પૂર્ણ લોકશાહી છે એટલે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો પોતાનું મતદાન કરે તે જરૂરી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુપ્ત મતદાન હોય છે. આથી કોઈ પણ પક્ષ આ ચૂંટણી માટે વ્હિપ જારી કરી શકતો નથી. આથી અમને વિશ્વાસ છે કે, NDAના અમારા ઉમેદવાર દ્રોપદી મુર્મુ અવશ્ય જીતશે.
ગઈકાલે જ ક્રોસ વૉટિંગની કરી હતી આગાહી
અગાઉ ગઈકાલે પણ દ્રોપદી મુર્મુની ગુજરાત મુલાકાત બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ સંબોધીને ક્રોસ વૉટિંગની આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુપ્ત મતદાન હોવાથી, કાલે વિપક્ષના પણ કેટલાક ધારાસભ્યો દ્રોપદી મુર્મુને પોતાનો મત આપી શકે છે. જ્યારે આજે પણ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ ક્રોસ વૉટિંગ કરીને દ્રોપદી મુર્મુને પોતાનો મત આપ્યો છે.
જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં બેલેટ પેપરના માધ્યમથી તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું છે. જો કે અહીં લોકસભા કે રાજ્યસભાના સાંસદો મતદાન નહીં કરી શકે, કારણ કે તેમને મતદાન માટે દિલ્હીમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પેટી ગુજરાત વિધાનસભાથી અમદાવાદ એરપોર્ટ પર ખાસ વિમાનમાં દિલ્હી લઈ જવામાં આવશે. જ્યાં મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.