ચોમાસાને ધ્યાને લઈને પશુપાલન વિભાગ દ્વારા મુખ્યત્વે દુધાળા પશુઓ રોગગ્રસ્ત ન બને અને બન્યાં હોય તો તેઓને સ્થળ ઉપર સારવાર મળી રહે તે માટે કચ્છ જિલ્લાના 10 તાલુકાના ગામોમાં હાલ પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળા યોજવામાં આવી રહ્યા છે. આ પશુ આરોગ્ય મેળામાં તબીબો દ્વારા માલધારીઓના ગાય તથા ભેંસ સંવર્ગનાં પશુઓની સાથે ઘેટાં- બકરાની પણ સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા બે માસમાં સમગ્ર જિલ્લામાં યોજવામાં આવેલા ૧૫ જેટલા કેમ્પમાં કુલ ૬,૫૯૦ પશુઓની સારવાર કરવામાં આવી છે. જેમાં ૧૧ પશુઓનાં ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ જ રીતે પશુ આરોગ્ય મેળા યોજવામાં આવશે.


ચોમાસાને ધ્યાને લઇને પશુઓ રોગગ્રસ્ત બન્યા

આ બાબતે વધુ માહિતી આપતાં જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. એન.ટી. નાથાણીએ જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા મુખ્યત્વે ચોમાસાને ધ્યાને લઇને પશુઓ રોગગ્રસ્ત બન્યા હોય તેવા પશુઓને માલધારીઓને સારવાર અર્થે દૂર સુધી લઇ જવા ન પડે અને સ્થળ પર જ તબીબી સારવાર મળી રહે તે માટે જિલ્લાનાં વિવિધ તાલુકાનાં ગામોમાં પશુ આરોગ્ય મેળા યોજવામાં આવી રહ્યા છે. આ પશુ આરોગ્ય મેળામાં વિભાગનાં પશુ ડોક્ટરોની ટીમ જે તે ગામમાં સ્થળ ઉપર પહોંચીને ગાય-ભેંસ સંવર્ગનાં પશુઓની તપાસ તેમજ સારવાર કરવાની સાથે ઘેટાં-બકરાનાં પણ આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.

જેના પગલે છેલ્લા બે માસમાં સમગ્ર જિલ્લામાં ૧૫ જેટલા પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા છે, જેમાં પશુ તબીબો દ્વારા કુલ ૬,૫૯૦ જેટલા ગાય-ભેંસ સંવર્ગનાં પશુ તેમજ ઘેટાં- બકરાની સારવાર કરવામાં આવી છે, જેમાંથી ૫૫૯ જેટલા પશુઓને પશુ તબીબો દ્વારા મેડિકલ સારવાર આપવામાં આવી છે. જ્યારે ૧૧ જેટલા પશુઓનાં વિવિધ પ્રકારનાં ઓપરેશનો કરવામાં આવ્યા છે. તો ૧૪૩ જેટલા પશુઓની જાતિ સારવાર પણ આ કેમ્પ દરમ્યાન જ કરવામાં આવી હતી. જ્યારે ૫,૮૭૭ પશુઓની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી.

રોગગ્રસ્ત પશુઓને સ્થળ પર સારવાર મળી રહે તેવો હેતુ

કચ્છમાં સૌથી વધુ પશુધન આવેલું છે, ત્યારે સ્વાભાવિક પણે જ વરસાદની સીઝનમાં ભરાયેલા પાણીમાં બેસવાથી કે વરસાદમાં પલળવાથી અથવા તો વરસાદી પાણીમાં ચાલવાને કારણે પશુઓ રોગગ્રસ્ત બનતાં હોય છે. જેને કારણે દૂધ ઉત્પાદન ઘટતંુ હોય છે, પરિણામે માલધારીઓને નુકસાનીનો સામનો કરવો પડે છે. વળી, અમુક રોગની તુરંત સારવાર ન થાય તો તેવા કિસ્સામાં પશુઓનાં ક્યારે મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે પશુઓ તુરંત રોગમુક્ત બને તે માટે પશુઓને ઝડપથી સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે પશુ આરોગ્ય મેળા યોજવામાં આવે છે.

જિલ્લામાં તાલુકાવાઇઝ યોજાયેલા પશુ આરોગ્ય મેળા

કચ્છ જિલ્લામાં તાલુકાનાં ગામોમાં બે માસ દરમ્યાન યોજાયેલા પશુ આરોગ્ય મેળા ઉપર નજર કરવામાં આવે તો અબડાસા તાલુકામાં ૧ કેમ્પ યોજાયો હતો, જેમાં ૪૪૩ પશુની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૪૭ની મેડિકલ સારવાર, ૧ પશુનું ઓપરેશન અને ૨ પશુની જાતિ સારવાર તથા ૩૮૩ પશુની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી. આ જ રીતે અંજાર તાલુકામાં ૪ કેમ્પ યોજાયા હતા, જેમાં ૧,૯૯૭ પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૧૧૯ની મેડિકલ સારવાર, ૨૯ પશુની જાતિ સારવાર તથા ૧,૮૪૯ પશુની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી. ભચાઉમાં ૧ કેમ્પ યોજાયો, જેમાં ૧૩૬ પશુની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૬ પશુની મેડિકલ સારવાર, ૩ પશુનાં ઓપરેશન, ૨૨ પશુની જાતિ સારવાર તથા ૧૦૫ પશુની કૃમિનાશક સારવાર કરાઇ હતી.

ભુજ તાલુકામાં ૧ કેમ્પ યોજાયો, જેમાં ૫૨૮ પશુની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૭૨ પશુની મેડિકલ સારવાર તથા ૪૫૬ પશુની કૃમિનાશક સારવાર કરાઇ હતી. ગાધીધામમાં ૧ કેમ્પ યોજાયો, જેમાં ૫૫૬ પશુની સારવાર કરવામાં આવી હતી, જેમાં ૩૧ પશુની મેડિકલ સારવાર, ૨૭ પશુની જાતિ સારવાર તથા ૪૯૮ પશુની કૃમિનાશક સારવાર કરાઇ હતી. લખપતમાં ૨ કેમ્પ યોજાયા, જેમાં ૪૭૯ પશુની સારવાર કરવામાં આવી હતી, જેમાં ૧૧૩ પશુની મેડિકલ સારવાર, ૩ પશુની જાતિ સારવાર તથા ૩૬૩ પશુની કૃમિનાશક સારવાર કરાઇ હતી. માંડવીમાં ૨ કેમ્પ યોજાયા, જેમાં ૭૮૦ પશુની સારવાર કરવામાં આવી હતી, જેમાં ૬૩ પશુની મેડિકલ સારવાર, ૬ પશુની જાતિ સારવાર તથા ૭૧૧ પશુની કૃમિનાશક સારવાર કરાઇ હતી. નખત્રાણામાં ૧ કેમ્પ યોજાયો, જેમાં ૪૮૯ પશુની સારવાર કરવામાં આવી હતી, જેમાં ૩૯ પશુની મેડિકલ સારવાર, ૪૫૦ પશુની કૃમિનાશક સારવાર કરાઇ હતી. જ્યારે રાપર તાલુકામાં ૧ કેમ્પ યોજાયો, જેમાં ૫૮૫ પશુની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૧૯ પશુની મેડિકલ સારવાર, ૪ પશુનાં ઓપરેશન, ૫૨ પશુની જાતિ સારવાર તથા ૫૧૦ પશુની કૃમિનાશક સારવાર કરાઇ હતી.

  • Follow us on: