ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી જેવા અગત્યના વિષયને વિધાનસભામાં સ્થાન મળવું ગૌરવની બાબત છે.રાજ્યપાલએ જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે જૈવિક ખેતીમાં મોટા પ્રમાણમાં છાણિયા ખાતરની જરૂર પડે છે,જ્યારે પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મજીવ આધારિત પદ્ધતિ છે.
વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી
તેમણે ચિંતા વ્યક્ત કરી કે રાસાયણિક ખેતીના કારણે માનવ આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે અને આજે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગોમાં વધારો જોવા મળે છે.હરિત ક્રાંતિ સમયે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫ ટકા હતો, જે હાલમાં ઘટીને ૦.૫ ટકા કરતાં પણ ઓછો થયો છે. ઓર્ગેનિક કાર્બન ઘટવાથી જમીન કઠોર બને છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં કુદરતી છિદ્રો બનાવી પાણી સંચયમાં મદદરૂપ બને છે.













