દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. નાગરિકોને રસાયણમુક્ત ખેત પેદાશો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ભાર આપી રહી છે. શહેરમાં વસતા નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ “કેસર કેરી મહોત્સવ-2025”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.નાગરિકોને રસાયણમુક્ત કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં અમદાવાદ ખાતે ‘કેસર કેરી મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે.


3.30 લાખ કિલોગ્રામથી વધુ કેરીનું વેચાણ

આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે તા.14મી મે 2025થી એક મહિના સુધી ‘કેસર કેરી મહોત્સવ-2025’ યોજાયો હતો. જેનો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો.કેરી મહોત્સવના સફળ આયોજન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,આ ઉનાળામાં અમદાવાદીઓએ મન મૂકીને રસાયણમુક્ત કેરીનો આનંદ માણ્યો છે. વર્ષ 2023માં યોજાયેલા કેસર કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા 2.70 લાખ કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું હતું.જેની સામે આ વર્ષના કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા કેરીનું અત્યાર સુધીનું સૌથી વિક્રમી વેચાણ કરવામાં આવ્યું છે.માત્ર એક મહિનાના સમયગાળામાં જ ખેડૂતોએ રૂ 4 કરોડની કિંમતની 3.30 લાખ કિલોગ્રામથી વધુ કેરીનું વેચાણ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

એક લાખથી વધુ શહેરીજનોએ કેરી મહોત્સવની મુલાકાત લીધી

વસ્ત્રાપુર હાટ ખાતે કેસર કેરી મહોત્સવ-2025માં ઉભા કરાયેલા આશરે 85 જેટલા સ્ટોલ પૈકી 45 સ્ટોલ આત્મા સમેતિમાં નોંધાયેલા ખેડૂતોને 21 સ્ટોલ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને, 12 સ્ટોલ ખેડૂત ઉત્પાદક સંગઠનોને, 03 સ્ટોલ ગોપકામાં નોંધાયેલા ખેડૂતોને તેમજ 02 સ્ટોલ સહકારી મંડળીઓને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા હતા. ખેડૂત અને નાગરીકો વચ્ચેના વેપારી દૂર થતા આ કેરી મહોત્સવના માધ્યમથી ખેડૂતોએ તેમની ગુણવત્તાયુક્ત કેરીનું સીધું વેચાણ કરીને સામાન્ય કરતા 20 ટકા જેટલો વધારે નફો મેળવ્યો છે.એક મહિનામાં આશરે એક લાખથી વધુ શહેરીજનોએ કેરી મહોત્સવની મુલાકાત લીધી હતી.

કેસર કેરીએ આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી

ગુજરાતની કેસર કેરીએ આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. વિદેશમાં પણ કેસર કેરીની માંગ વધતા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીના વાવેતર અને ઉત્પાદન બંનેમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે કેસર કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરીઓ સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ખેડૂતોને ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડીને સહાયરૂપ થઇ રહી છે.

  • Follow us on: