ગુજરાતમાં આ વખતે ચોમાસુ છેક દિવાળી સુધી ચાલ્યું હતું. વરસાદની વિદાય થયા બાદ માવઠાએ માઝા મુકી હતી. માવઠાને કારણે રાજ્યના લાખો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ખેતરમાં ઉભો પાક વરસાદના પાણીમાં ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત તૈયાર પાક પણ પાણીમાં પલળીને બગડી ગયો હતો. ત્યારે મગફળી સહિતના પાકોમાં નુકસાન થતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ નુકસાનનો સરવે કરીને રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.
5100 ટીમોએ સર્વેની કામગીરી કરી હતી
ગુજરાતમાં આ વખતે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગામડામાં માવઠાએ દાટ વાળ્યો હતો.ગત વર્ષે કપાસના ભાવો નહીં મળતાં આ વખતે ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા હતાં. તૈયાર થયેલી મગફળી અને પાક વાઢવાના સમયે જ માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હતો. રાજ્યના 33 જિલ્લાના 251થી વધુ ગામોના 16500થી વધુ ગામોમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં ખેતીના વિવિધ પાકોને ભારેથી અતિભારે નુકસાન થયું હતું. પાક-નુકસાનીનો અંદાજ મેળવવા માટે 5100 ટીમોએ સર્વેની કામગીરી કરી હતી.
42 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેતીના પાકને નુકસાન
રાજ્યના કુલ સરેરાશ વાવેતર વિસ્તાર 84 લાખ હેક્ટરની સામે આશરે 42 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું હતું. રાજ્યમાં સર્જાયેલી આવી અસાધારણ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય પૂરી પાડીને તેમને નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે મુખ્યમંત્રીએ અત્યાર સુધીનું સૌથી મોટું આશરે રૂ.10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું હતું. રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટરદીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું.રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો,2019માં 3795, 2024માં 1419 અને 2025માં 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે.
2020માં પણ પાકને ભારે નુકસાન થયુ ંહતું
2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જોકે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાનાં 6112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad News : શિક્ષણ ખૂબ મોટું કામ છે, આજે શિક્ષકો આદિવાસી વિસ્તારમાં રહેવા તૈયાર નથી : આનંદીબેન પટેલ